ઊર્ધ્વમૂલ (ભગવતીકુમાર શર્મા)
પ્રસ્તાવના
આ નવલકથાનો પહેલો મુસદ્દો છેક ૧૯૭૩ના અરસામાં લખેલો. નવલકથાની પૂર્ણાહુતિને થોડાંક જ પૃષ્ઠો બાકી હતાં ત્યાં અચાનક એ કૃતિમાંનો મારો રસ ઊડી ગયો. વહાણ કાંઠે ડૂબ્યું. મારે આમ બનવું અસ્વાભાવિક નથી. નવલકથા હું પૂરેપૂરા ઈન્વોલ્સમેન્ટ સહિત લખતો હોવાથી તેમાં જો ઝીણીયે તિરાડ પડે તો તરત આખું માળખું ઢગલો થઈ જાય છે. નવલકથાલેખન પરત્વે, એકાગ્રતા સહેજ ખંડિત થતાં જ વિકેટ ગુમાવી બેસતા બૅટઘર જેવી મારી સ્થિતિ છે.
આ અધૂરી હસ્તપ્રત પાંચેક વર્ષ પડી રહી – એક કાળજીવંત મિત્રને ત્યાં. મનમાં એક કાળજીવંત મિત્રને ત્યાં. મનમાં એનું સેવન તો ચાલ્યા કરતું હતું. દરમિયાન અન્ય એક વિષયવસ્તુ પરથી નવલકથા લખવાના બે અલગ પ્રયત્નો કર્યા. બંને વાર થોડાં થોડાં પૃષ્ઠો લખાયાં, પણ કાંઈ ગોઠ્યું નહિ. હવે હું ક્યારેય નવલકથા નહિ લખી શકું એવું મને મનોમન સતત લાગતું હતું. સ્વાસ્થ્ય, વ્યસ્તતા આદિનાં વ્યવધાનો નધતાં જતાં હતાં.
બે’ક વર્ષ પહેલાં એક દિવસ વિચાર આવ્યો : જોઉં તો ખરો, સમયના આટલા અંતરાલ પછી પેલી અપૂર્ણ કૃતિ કેવીક લાગે છે ? તેમાં કંઈક શક્યતા છે ખરી ? મિત્રે હસ્તપ્રત હેમખેમ સાચવી હતી. વાંચી. શક્યતા તો હતી. પેલી બીજી બે નવલકથાઓના અધૂરા મુસદ્દાઓ પણ વાંચી લીધા. મૂળ નવલકથામાં મૂલવિહીનતાની સમસ્યા ન હતી; બીજામાં હતી. પાત્રો પ્રથમનાં, સમસ્યા બીજાની એમ કરીને બધું માળખું નવેસરથી ગોઠવ્યું. અને આમ સાતેક વર્ષના સેવનને અંતે ‘ઊર્ધ્વમૂલ’ અવતરી. મારા પૂરતો તો અપૂર્વ કહી શકાય એવો પરિશ્રમ મેં આ કૃતિ પાછળ કર્યો છે. એક-બે નહિ, વારંવાર તે લખી છે. શબ્દેશબ્દ પર ધ્યાન આપવાની કોશિશ કરી છે.
હસ્તપ્રત તૈયાર થઈ ગયા પછી પરિસ્થિતિવશાત્ તેને ‘ગુજરાત મિત્ર’ દૈનિકની રવિવીરીય પૂર્તિમાં ધારાવાહી સ્વરૂપે પ્રકટ કરવાનો પ્રસંગ આવ્યો. સોંસરા વાર્તારસ વિનાની અને મુખ્યત્વે કથાનાયિકાનાં ચૈતસિક સંચલનો પર વિહરતી આ દીર્ધ નવલકથાને અખબારના વાચકો સમક્ષ રજૂ કરવી એ ‘ગુજરાત મિત્ર’નું સાહસ હતું; થોડાક વાચકોએ કચવાટ પણ વ્યક્ત કર્યો, છતાં અખતરો મહદ્ અંશે સફળ રહ્યો. તંત્રીશ્રી પ્રવીણકાંત રેશમવાળા, ભરતભાઈ રેશમવાળા અને વાચકોનો આભાર.
‘ઊર્ધ્વમૂલ’ નું સર્જન મારા પૂરતું એક આનંદસભર અનુભવ સમાન બન્યું છે. મેં નવલકથા પાસેથી તો કોણ જાણે, પણ નવલકથાએ મારી પાસેથી ઘણું કામ લીધું છે. મારી જે કાંઈ આછીપાતળી સર્જકતા છે તેનો તેણે કસ કાઢ્યો છે એમ મારે પૂર્ણ નમ્રતાથી કહેવું રહ્યું. આમ આ નવલકથા બૃહતકાય બની છે. છતાં મારું વલણ તેના વિસ્તારનું નહિ તેટલું પાત્રોના ચિત્તના પાતાલકૂપમાં ઊંડે શારકામનું રહ્યું છે. આ નવલકથાનો ગદ્યગોંફ ગૂંથવામાંયે મને આહલાદ મળ્યો છે. મારો આનંદ વાચકોનો પણ બની શકે તો કૃતિની અને મારી સાર્થકતા. મૂલવિહીનતા – Rootlessness ની સમસ્યાને અહીં કેન્દ્રમાં તો રાખી છે, છતાં હું તેની બહુપરિમાણી તથા કલાત્ક મીમાંસા કરી શક્યો છું કે કેમ તે કહેવું મારે માતે મુશ્કેલ છે. મારી આગલી નવલકથા ‘સમયદ્વીપ’થી સવિશેષપણે મારું મન રહી રહીને આપણાં મંદિરો, ધર્મગ્રંથો અને પરમતત્વ વિષેની અભીપ્સા ઈત્યાદિ તરફ વળતું રહ્યું છે. ‘ઊર્ધ્વમૂલ’ માં પણ અંતિમ ખંડમાં તેનો સઘન સ્પર્શ છે. ‘ઊર્ધ્વમૂલ’ લખાયા પછી તો સમસ્યા અને આ અભીપ્સા વિષે વધારે વિચારવા – અનુભવવાનું બન્યું છે. હ્યદગત પ્રશ્નો વિશેષ તીવ્ર બન્યા છે. કશાકની શોધનું વલણ વધુ ઉત્કટ બન્યું છે. સંભવ છે, ભવિષ્યે એમાંથી વળી કોઈક આકાર ઊતરે.
આ નવલકથાના સર્જનમાં ઘણા મિત્રોએ ઊંડો રસ લીધો છે. અધૂરી હસ્તપ્રત મનહરભાઈએ ન સાચવી હોત તો ? પૂરી નવલકથાના પ્રથમ વાચક પણ તેઓ જ ભાઈ રવીન્દ્રે તો બહુ ધ્યાન અને ધૈર્યથી આ નવલકથા સાંભળીને ઉપયોગી સૂચનો કર્યા છે. અંતે આ નવલકથા સંદર્ભે વાચકોને ઉદ્દેશીને માધવ રામાનુજની આ પંક્તિ ઉલ્લેખી છે :
‘હળવે તે હાથ ઉપાડજો રે
અમે કોમળ કોમળ !’
- ભગવતીકુમાર શર્મા
Start a discussion with માતૃભાષા અભિયાન
Talk pages are where people discuss how to make content on Wikipedia the best that it can be. Start a new discussion to connect and collaborate with માતૃભાષા અભિયાન. What you say here will be public for others to see.