શાકુન્તલ (મહાકવિ કાલિદાસ કૃત)

edit

અનુવાદક – ઉમાશંકર જોશી

edit
  • મહાભારતમાં શાકુન્તલાની કથા

મહાભારતના આદિપર્વમાં દુષ્યન્ત-શકુન્તલાની કથા મળે છે. એક વાર રાજા દુષ્યન્ત મોટા લાવલશ્કર સાથે શિકાર કરવા જાય છે. મહેલો ઉપરથી એ સવારીને જોતી સ્ત્રીઓએ ‘ઈન્દ્ર સમાન’ રાજાની ‘પ્રેમથી પ્રશંસા કરી અને તેના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.’ શિકારરે ચઢેલા સૈન્યે આખું વન જાણે કે વલોવી નાખ્યું. મગની પાછળ પડેલો રાજા બીજા વનમાં પેઠો. ત્યાં માલિનીને તીરે એણે કણ્વનો આશ્રમ જોયો. લોમામે રોકી, રાજચિહ્નો દૂર કરી, પ્રધાન અને પુરોહિતની સાથે એ ઋષિના દર્શન માટે આશ્રમ તરફ ગયો. તપોધનોની વિવિધ પ્રવૃત્તિઓથી આખો આશ્રમ ગુંજી રહ્યો હતો. એ જોતાં જોતાં, એકાન્તમાં આવેલા અત્યંત સુંદર એવા કણ્વના રહેઠાણે (काश्यपस्यायतनं) એ પહોંચ્યા. ત્યાં પ્રધાન અને પુરોહિતને ઊભા રાખી રાજા એકલો દર્શન માટે આઘળ વધ્યો. બધું સૂમસામ જોઈ ‘કોણ છે અહીં’? એમ મોટેથી પ્રશ્ન કરે છે ત્યાં સાક્ષાત્ લક્ષ્મી જેવી, તાપસવેષધારિણી રૂપવતી કન્યા બહાર આવી અને રાજાનું સ્વાગત કરી સ્મિત કરતી હોય એમ બોલી : ‘શું કામ છે ?’ કણ્વને વંદન કરવાની ઈચ્છા રાજાએ જણાવી. કન્યાને કહ્યું : ‘મારા પિતા ફળ માટે બહાર ગયા છે. ઘડીક રાહ જુઓ, તો મળી શકશો.’ શરીરથી, તપથી અને સંયમથી દીપતી ચારુહાસિની કન્યાને રાજાએ પૂછ્યું : ‘તું કોણ છે કોની દીકરી છે ?’ કન્યાએ ‘કણ્વની દીકરી છું’ એમ કહ્યું ત્યારે રાજાએ પૂછ્યું કે, કણ્વ તો બ્રહ્મચારી છે; એમની દીકરી તું કેવી રીતે હોય ? ત્યારે શકુન્તલાએ, કણ્વને કોઈ ઋષિએ આવો પ્રશ્ન પહેલાં પૂછેલો ત્યારે એમણે વિશ્વામિત્ર-મેનકાથી પોતાનો જન્મ થયાની અને માલિનીતીરે નિર્જન વનમાં પોતાને માતાએ મૂકી દીધેલી, પોતાનું શકુન્તો(પક્ષીઓ)એ રક્ષણ કરેલું અને એ સ્થિતિમાં કણ્વને પોતે મળી હતી. તેની જે કથા કહેલી, તે આખીય રાજાએ કહી. સાંભળીને રાજા બોલ્યો : ચોખ્ખું છે કે તું રાજપુત્રી છે. તું મારી પત્ની થા. આખું રાજ્ય હવે તારું છે. વિવાહોમાં ગાન્ધાર્વવિવાહ એ ઉત્તમ છે. કન્યાએ કહ્યું : ઘડીક રાહ જુઓ. પિતા હમણાં આવશે અને તે તમને કન્યાદાન કરશે. રાજાએ કહ્યું : આત્મા (પોતે) જ આત્માનો બંધુ છે અને સહાયક છે. તું પોતે જ પોતાનું દાન કર. શકુન્તલાએ કહ્યું : આ જો ધર્મમાર્ગ હોય અને હું જો મારી માલિક હોઉં તો તમને મારી જાત સોંપતાં મારી એક શરત છે તે સાંભળો. મારો જે પુત્ર જન્મે તે તમારી પછી યુવરાજ થાય. રાજાએ વિચાર કર્યા વિના જવાબ આપ્યો : એમ હો ! અને વિધિ અનુસાર એણે એનું પાણિગ્રહણ કર્યું અને એની સાથે રહ્યો. ચતુરંગ સેના મોકલીને તને નગરે તેડી મંગાવીશ. એમ વચન આપીને રાજા રવાના થયો અને તપસ્વી કણ્વ આ સાંભળીને શું કરશે એમ ચિંતા કરતો એ પોતાને નગર પહોંચ્યો. કણ્વ પાછા ફર્યા ત્યારે શરમાતી શકુન્તલાને એમણે ગાન્ધર્વવિવાહ ક્ષત્રિયો માટે ઉત્તમ ગણાય છે એમ કહીને થયેલા લગ્ન અંગે સંમતિ આપી. ત્રણ વરસ પૂરાં થતાં શકુન્તલાને પુત્ર જન્મ્યો. હાથનાં ચક્રના ચિહ્નવાળો, મોટામાથાળો એ બાળક સૌ પ્રાણીઓને કનડતો એથી ઋષિઓએ એનું નામ ‘સર્વદમન’ પાડ્યું હતું. એ છ વરસનો થયો, ત્યારે સ્ત્રીઓ લાંબો સમય પિયરિયાંની સાથે રહે એ એમને માટે ઠીક નથી એમ રહી, પુત્રને યુવરાજપદે સ્થાપવા માટે હવે પતિ પાસે લઈ જવા કણ્વે શકુન્તલાને વિદાય કરી. શકુન્તલાએ રાજાને વાત કરી ત્યારે એને બધું સાંભરતું હતું છતાં એણે કહ્યું : મને કશું સાંભળતું નથી. હે દુષ્ટ તાપસી, તું ક્યાંની છે? સાંભળીને શકુન્તલાને શરમાવા જેવું થયું. દુ:ખથી ભાન ગુમાવી બેઠી હોય એમ નિશ્ર્વલ બની ગઈ. પછી ક્રોધથી એની આંખ લાલ થઈ, હોઠ કાંપવા માંડ્યા, કટાક્ષોથી રાજાને બાળતી હોય એમ એ તીરછું જોવા લાગી. જાણવા છતાં, આમ શા માટે બોલો છો એમ કહી, સત્ય ઉપર અને સ્ત્રી-પુત્ર સાથેના ધર્મ્ય સંબંધ ઉપર સંભાષણ કરી, એણે કહ્યું : મૃગથી ખેંચાયેલા મૃગયા ખેલતા એવા તમે પિતાના આશ્રમમાં મને કુમારીને પામ્યા હતા. પૂર્વ જન્મમાં મેં શુંય એવું અશુભ કર્મ કર્યું હશે કે બાળપણમાં સગાંઓએ મારો ત્યાગ કર્યો અને અત્યારે તમે મને તજો છો ! ભલે, તો હું પાછી જાઉં છું, પણ આ બાળકનો ત્યાગ તમને ઘટતો નથી. રાજાએ કહ્યું : આટલા થોડાક સમયમાં શાલવૃક્ષના થડ જેવડો એ શી રીતે થઈ ગયો ? મને તો તું તો કોઈ રખડતી લાગે છે. મેનકાથી પણ કામાસક્તિને લીધે જ તું જન્મ પામી છે. હું તને ઓળખતો નથી. જવું હોય ત્યાં જા. શકુન્તલા એને સામેથી સંભળાવે છે : રાજા, બીજાના સરસવ જેવડા ઝીણા દોષ તું જુએ છે, પણ બીલાના ફળ જેવડા મોટા પોતાના દોષ દેખતો છતાં દેખતો નથી. મારો જન્મ તારાથી ઊંચો છે, તું ધરતી પર ભટકે છે, હું આકાશે સંચરનારી છું. જો મારામાં ને તારામાં મેર અને સરસવ જેટલો ફેર છે. સત્યથી આગળ કોઈ ધર્મ નથી. તું અસત્યથી જ કામ પાડવાનો હોય અને તારી મેળે મારી વાતમાં શ્રદ્ધા રાખવાનો ન હોય, તો ભલા, હું જાઉં છું, તારા જેવા જોડે મારો સંબંધ નથી. તારા સિવાય પણ મારો પુત્ર આ આખી પૃથ્વીનો રક્ષણહાર બનશે. ત્યાં પુરોહિત, આચાર્ય અને મંત્રીઓ સાંભળતા હતા ને અંતરિક્ષથી અશરીરિણી વાણી સંભળાઈ : દુષ્યન્ત, પુત્રનું પાલન કર. શકુન્તલાનો તિરસ્કાર કર મા ! તારાથી એનું ભરણપોષણ થશે, માટે એ પુત્ર ‘ભરત’ નામે ઓળખાશે. હર્ષ પામીને રાજાએ બધાને કહ્યું : આપ સૌ આ દેવદૂતનું કહેલું સાંભળો ! હું પોતે પણ એને પોતાનો દીકરો સમજું છું. પણ કહેવામાત્રથી જો હું પોતે પુત્ર તરીકે સ્વીકારત તો લોકોને શંકા થાત અને એમ એ ખરો દીકરો લેખાત નહિ. એમ કહી દૈવી વાણીથી જેને અંગે ખુલાસો થયેલો છે એવા પુત્રનો એણે આનંદમાં આવીને સ્વીકાર કર્યો. અને પત્નીનો સત્કાર કરીને કહ્યું : તારી સાથે લોકોની અજાણ રીતે સંબંધ કરેલો તેથી તારે અંગે કુલાસો થાય એ માટે મેં આવું વિચાર્યું. શકુન્તલાને રાજરાણીપદ આપી રાજાએ ભરતને યુવરાજ તરીકે સ્થાપ્યો.